Gandevi: ગોંયદી-ભાઠલા પ્રાથમિક શાળાની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવ-2024 કાર્યક્રમ યોજાયો.
બીલીમોરા નજીક ગોયંદી ભાઠલા પ્રાથમિક શાળા ૭૫'માં સ્થાપના દિવસની રવિવારે ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓની રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, દાતા, વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
બીલીમોરા કાંઠા વિસ્તારમાં ગોયંદી ભાઠલા પ્રાથમિક શાળા સાડા સાત દાયકાથી શિક્ષણની અવિરત જ્યોત જલાવી વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે. અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપનારી શાળા અનેક તડકાછાંયડાની આઝાદીકાળની સાક્ષી રહી છે. આ પ્રસંગે વડીલોએ જુના સંસ્મરણો તાજા કર્યા હતા. વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત, ગરબા, ગીતો, દેશભક્તિગીત, નાટક રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ સાથે સૌના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. તે સાથે ભૂતકાળમાં ફરજ અદા કરનારા નિવૃત શિક્ષકો તેમજ હાલમાં કાર્યરત શિક્ષકોનાં યોગદાનને વધાવી સન્માન કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જુના સંસ્મરણો વાગોળી હરીફાઈના જમાનામાં ગુણવતાયુક્ત શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે ગોયંદી ભાઠલા ગામના સરપંચ પ્રશાંત પટેલ, આદિત્ય ટીમ્પેકના પુરુષોત્તમ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, ઉપસરપંચ જીગર પટેલ, ટીડીઓ ભાવના યાદવ, શાંતિલાલ પટેલ, સનમ પટેલ, વિનોદ પટેલ, ધીરેન પટેલ, નીતા દેસાઈ, કેતન પટેલ સહિત શાળા પરીવાર, વાલી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
0 Comments