ડાંગ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો :
‘૧૪ જુન વિશ્વ રક્તદાતા દિવસ’
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના કર્મયોગીઓએ ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા:
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આહવા તેમજ સિવિલ હોસ્પિટલ, આહવાના સંયુક્ત ઉપક્રમે તા.૧૪ જુન 'વિશ્વ રક્તદાતા દિવસ’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આહવાના ઉપ પ્રમુખ શ્રી એ.જી.પટેલે રક્તદાન અંગેની માહિતી આપી હતી. આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જાગૃત રક્તદાતા તરીકે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામિત, આહવા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકશ્રી ડો.અંકિત રાઠોડ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કરી, અન્યોને પણ રક્તદાન કરવાની અપીલ કરી હતી.
દરમિયાન જિલ્લા સેવા સદન ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને, વહિવટી અધિકારી, કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે ડાંગના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે.
'હું ગુજરાતનો રહેવાસી ૧૪ મી જુન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ના દિને, શપથ લઉં છું કે, હું મારુ રક્ત નિયમિત રૂપે દાન કરીશ. ભારતની વિશાળ રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હું પણ વચન આપુ છું કે મારા પરિવાર, મિત્રો, સગા, સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવાના પ્રયત્નો કરીશ.
આની સાથે એ પણ વચન આપું છુ કે જ્યારે કોઇને પણ રક્તની જરૂરિયાત પડશે, હું મારા ખર્ચ પર કોઇ પણ લોભ, લાલચ વગર, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઇને રક્તદાન કરીશ.
0 Comments