ખેરગામમાં સ્વ. નગીનલાલ ચાવડા ટ્રસ્ટની માનવતાભરી પહેલ : દિવાળીએ વિધવા બહેનોને અનાજ કીટ, સાડી અને મીઠાઈનું વિતરણ
ખેરગામ : દિવાળીના પર્વની સાચી ઉજવણી ત્યારે સાર્થક બને છે, જ્યારે સમાજના જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ પથરાય. સેવાના આ જ ઉમદા ભાવ સાથે ખેરગામના સુપ્રસિદ્ધ રામજી મંદિરે સ્વ. આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનો માટે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વવિખ્યાત સમર્થ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધવા બહેનોને દિવાળીના પર્વ નિમિત્તે એક મહિનાની અનાજ કીટ, સાડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રગટેશ્વરધામના અધિષ્ઠાતા ધર્માચાર્ય પરભુદાદાએ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે આશીર્વાદ આપતાં પૂજ્ય કથાકાર પ્રફુલભાઈ શુક્લે જણાવ્યું હતું કે, "સેવા અને સ્મરણનો સમન્વય થાય તો જ જીવન સાર્થક થાય છે." તેમણે સ્વ. નગીનલાલ ચાવડા સાહેબ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળી તેમના સેવાકાર્યોને યાદ કર્યા હતા.
કાર્યક્રમમાં મનોજભાઈ ગોહિલ, મુસ્તાનશીર વોહરા, વિરેનભાઈ કાપડિયા, પ્રકાશભાઈ પરમાર, પ્રકાશભાઈ ગજ્જર, જીગ્નેશ પટેલ (ડેપ્યુટી સરપંચ), પરિમલ પટેલ, મહારાજશ્રી પરષોત્તમદાસજી, અંકુરભાઈ શુક્લ અને ભાવેશભાઈ જોષી (અમદાવાદ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અરવિંદભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બહેનો સુધી મદદ અને ખુશીઓ પહોંચાડવાનો આ પ્રયાસ માત્ર વસ્તુઓના વિતરણ પૂરતો સીમિત ન રહેતાં સમાજમાં માનવતા, સંવેદના અને પરસ્પર સહયોગનો સંદેશ આપનારો બની રહ્યો હતો.
સેવા, સંવેદના અને સ્મરણના સમન્વયથી ઉજવાયેલી આ દિવાળી ખેરગામમાં માનવતાની અનોખી સુવાસ પ્રસરાવી ગઈ.


0 Comments