ચીખલીમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: રાજ્યમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આદિવાસી પ્રતિભાઓનું સન્માન
વિવિધ સરકારી સહાય યોજનાઓના લાભોનું વિતરણ કરાયું; ખૂંદ ગામના નવનિર્મિત કન્યા-કુમાર છાત્રાલયનું ઈ-લોકાર્પણ
KHERGAM NEWS | નવસારી
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા 'જનજાતીય ગૌરવ દિવસ'ની નવસારી જિલ્લાના ચીખલી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે વિવિધ સરકારી સહાય યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર યુવાનો તેમજ મહિલા સ્વસહાય જૂથોના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે હંમેશાં જંગલ, જળ, જમીન, વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના સહિતની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા અને રહેઠાણ જેવી પાયાની સુવિધાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ અને આઝાદીની લડતમાં આદિવાસી વીરોએ આપેલા યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની નવી પેઢી આજે રમતગમત, શિક્ષણ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી દેશ-વિદેશમાં નામના મેળવી રહી છે. જંગલ અને પ્રકૃતિના જતન સાથે વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી સમાજનું યોગદાન અનન્ય છે.
કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંદ ગામ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિર્મિત સરકારી કન્યા અને કુમાર છાત્રાલયનાં નવનિર્મિત મકાનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંસદા ખાતે મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત 'જોહર કાફે' જેવી પહેલની પણ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ કાફેના માધ્યમથી આદિવાસી અને મિલેટ આધારિત પરંપરાગત વાનગીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી ૧૫ નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનિષભાઈ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હંસાબેન ભંડારી સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેરગામ તાલુકા અને જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિ
જનજાતીય ગૌરવ દિવસની આ ઉજવણીમાં ખેરગામ તાલુકા તેમજ નવસારી જિલ્લાના વિવિધ હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને આદિવાસી સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બની જનજાતીય ગૌરવ અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.
જનજાતીય ગૌરવ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આદિવાસી સમાજના સંઘર્ષ, શૌર્ય, સંસ્કૃતિ, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો અવસર છે. ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શો નવી પેઢીને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપતા રહેશે.















0 Comments