ગણદેવી તાલુકાના નાંદરખા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશી ગ્રામીણ રમતોત્સવ યોજાયો.
આપણી સંસ્કૃતિ અને પરંપરાગત રમતોનો વારસો નવી પેઢી સુધી પહોંચાડવો એ સૌની જવાબદારી : આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ
ગિલ્લી-દંડા, ભમરડો, લખોટી, સાતોડિયું, દોરડાખેંચ સહિતની વિસરાતી જતી દેશી રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
નવસારી, તા. 17 નવેમ્બર, 2026
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ગણદેવી તાલુકાના નાંદરખા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશી ગ્રામીણ રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ રમોત્સવમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને રમતપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આપણી પરંપરાગત રમતગમતની સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ આપ્યો હતો.
આ રમોત્સવમાં પ્રાચીન સમયથી ગ્રામ્ય જીવનનો અભિન્ન હિસ્સો રહેલી અને આધુનિક સમયમાં ધીમે ધીમે વિસરાતી જતી ગિલ્લી-દંડા, ભમરડો, લંગડી, લખોટી, સાતોડિયું, દોરડાખેંચ, કોથળા દોડ, આટાપાટા, કબડ્ડી, ખો-ખો, લીંબુ-ચમચી સહિતની વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેદાનમાં પરંપરાગત રમતો રમતા બાળકો અને ખેલાડીઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ રમતમય બની ગયું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ ન બની રહે, પરંતુ તેમની પ્રેરણાદાયી વિચારધારા, સંઘર્ષ અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો અવસર બને તે જરૂરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ જનજાતીય ગૌરવ અને આદિવાસી સંસ્કૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત ગ્રામીણ રમતો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ બાળકોમાં શારીરિક સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, ચપળતા, શિસ્ત, સામૂહિક ભાવના અને ખેલદિલી વિકસાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના સમયમાં બાળકોને આવી દેશી રમતો સાથે જોડવા અને આ રમતોનો પરિચય કરાવવો અત્યંત જરૂરી છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાગત રમતોનો અમૂલ્ય વારસો જળવાઈ રહે તે માટે સૌએ આવા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ.
આ રમોત્સવનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને પોતાની પરંપરા, ગ્રામ્ય સંસ્કૃતિ અને પ્રાચીન રમતગમતના વારસાથી પરિચિત કરાવવાનો હતો. આધુનિક રમતગમતની સાથે દેશી રમતોને પણ પ્રોત્સાહન મળે અને આવનારી પેઢીઓ સુધી આ પરંપરા જળવાઈ રહે તે દિશામાં આ આયોજન મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.
આ પ્રસંગે ઇન્ચાર્જ વાંસદા પ્રાયોજના અધિકારીશ્રી આસ્થા સોલંકી, આદિજાતિ વિકાસ કમિશનરશ્રી દિવ્યેશભાઈ, વાંસદા પ્રાયોજના મદદનીશ કમિશનર સુશ્રી પી.ડી. મનાત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન પટેલ, અગ્રણીશ્રી સનમભાઈ પટેલ, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરંપરાગત રમતોનું જતન, ગ્રામ્ય સંસ્કૃતિનું સંવર્ધન અને નવી પેઢીમાં દેશી રમતો પ્રત્યે રસ જગાવવાના ઉમદા સંદેશ સાથે નાંદરખા ખાતે યોજાયેલો આ દેશી ગ્રામીણ રમોત્સવ યાદગાર બન્યો હતો.
અહેવાલ : KHERGAM NEWS
0 Comments