સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ :

  સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯ : સને ૨૦૩૦ના વર્ષમાં ગુજરાત રાજ્ય વિધુત માટેનું હબ બને, તેમજ ઓછા ખર્ચમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને વીજળીની સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે કામ કરવાના ઉદ્દેશથી ગુજરાત વિધુત પ્રવહન વિભાગ તેમજ જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાતનાં કારણે જેટકો જેવી કંપની આવી, અને તેઓ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને વિદ્યુત સેવાઓ પુરી પાડી રહી છે. તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. ગુજરાતનાં લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી મોદીએ સૌ પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. તેમજ હાલમાં સરકાર દ્વારા વીજળી ખર્ચ ઓછો કરવા માટે સોલાર પોલિસી અમલી બનાવવામાં આવી છે. ચિંતન શિબિરમાં જેટકો દ્વારા રજૂ કરવામાં આવેલ વિચારોનું યોગ્ય રીતના અમલીકરણ કરવામાં આવે, તો ગુજરાત વિધુતનું હબ બની શકે છે. તેમજ હમેંશા માટે વીજળીના પ્રશ્નો દૂર થઈ શકે છે. ગુજરાતને વધુ ને વધુ આગળ લઈ જવાં તેમજ વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' નાં સ્વપ્નને પુર્ણ કરવાની દિશામાં કાર્ય કરવા સૌને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. ટીમ વર્કથી આગળ વધવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. જેટકોનો સ્ટાફ આત્મવિશ્વાસ કેળવી આગળ વધી રહ્યો છે, તેમજ સરકારનાં ઉદ્દેશયને પાર પાડવા માટે ઉર્જા વિભાગ સતત કાર્યરત છે, તેમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું. સાપુતારા ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં જેટકો કંપનીનાં સ્ટાફ દ્વારા કંપનીની ટેક્નિકલ સમસ્યાઓ તેમજ કંપનીના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અલગ અલગ ચાર ગ્રુપ બનાવી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં કંપનીને કઈ રીતના આગળ લઈ જવી, વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, તેમજ ઓછા ખર્ચમાં વધુ સારી સેવાઓ ગ્રાહકોને આપી શકાય તે અંગેનું મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીનાં હસ્તે દિનકર જેઠવા લિખિત 'ગ્લોબલ વોર્મિંગ ને નાથવા આપણે જાતે શું કરી શકીએ ?' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સાપુતારા ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં જેટકોના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડે, જેટકોના ચીફ એન્જીનીયર સર્વેશ્રી એ.બી.રાઠોડ, શ્રી કે.એચ.રાઠોડ, અધિક્ષક ઈજનેરશ્રીઓ, એકઝ્યુકેટીવ એન્જીનીયર, તેમજ ડાંગ જિલ્લા વિધુત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વી.ડી. પટેલ સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ : - (ડાંગ...

Posted by Info Dang GoG on Friday, July 19, 2024

Post a Comment

0 Comments